બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો યુગ શરૂ થયો છે. આ વખતે હજારો વિરોધીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારના રોજ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 72 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 14 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગોળીઓથી ઘાયલ થયેલા 40થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજધાની ઢાકામાં પણ દુકાનો અને બેંકો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને સ્મોક ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. આ ઉપરાંત ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરક્ષા મામલાની રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં પીએમ હસીનાએ કહ્યું છે કે, જે લોકો દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આ આતંકવાદીઓને રોકવા માટે એક થઈ જાઓ. આ બેઠકમાં હસીનાની સાથે બાંગ્લાદેશના ત્રણેય સેનાઓના વડા, પોલીસ વડા અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો.