આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે (4 ઓગસ્ટ) મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર ટુંક મસયમાં ‘નવી નિવાસી પોલિસી’ લાવશે, જેમાં માત્ર રાજ્યમાં જન્મેલા લોકોને જ સરકારી નોકરી માટે હકદાર બનાવાશે. અમારા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની બદલાતી વસ્તી વિષયક સ્થિતિનો સામનો કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ અમારા માટે મોટો ચિંતાનો વિષય અને જીવન-મરણનો મામલો છે.
તેમણે કહ્યું કે, આસામ સરકાર ટૂંક સમયમાં નવી ડોમિસાઈલ પોલિસી લાવશે, જેમાં માત્ર આસામમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી મેળવવા માટે હકદાર બનશે. અમે ચૂંટણી પહેલા એક લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન અપાયું હતું, જેમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા મળી છે. અમે તેની યાદી જાહેર થયા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ વસ્તી નિયંત્રણના પગલાંની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત બંગાળી ભાષી બાંગ્લાદેશી મુસ્લિમો જેમને ‘મિયા’ના નામથી ઓળખવામાં આવે છે, તેમને સ્થાનિક લોકો તરીકે માન્યતા આપવા માટે શરતો રાખી છે. જો કે, સરકારની નવી ડોમિસાઇલ નીતિ ગેરકાયદે ઇમિગ્રેશનના મુદ્દાને ઉકેલવા અને આસામની સ્થાનિક વસ્તીના હિતોનું રક્ષણ કરવાના સરમાના પ્રયાસોનો એક ભાગ હોવાની અપેક્ષા છે.