લેબગ્રોન ડાયમંડની માગ કરતાં તેનું ઉત્પાદન વધી ગયું છે. જેની અસર હીરા બજાર પર પડી છે. હવે સરકાર હીરાના ઉત્પાદન અને નિકાસ અંગે યોગ્ય નિર્ણય લેશે તો જ હીરાની કિંમત પાછી આવશે. હાલ હીરા ઉદ્યોગ સાથે દેશમાં અંદાજે 50 લાખ કારીગર જોડાયેલા છે. જેમાંથી ગુજરાતમાં 23 લાખ કારીગર છે. હીરા ઉદ્યોગમાં મંદીની અસર માત્ર કારીગરો નહીં પરંતુ વેપારીઓ પર પણ પડશે. રાજ્યના 23 લાખ રત્ન કલાકારો પર બેરોજગારીનું જોખમ છે.
કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડની ચમક એક સરખી હોય છે. હીરાના વેપારીઓનું સૌથી મોટા નેટવર્ક રૈપાપોર્ટની સાઈટ પર કિંમત અપડેટ થાય છે. આ સાઈટ મુજબ એક વર્ષમાં જ કુદરતી હીરાની કિંમતમાં અંદાજે 23 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જુલાઈમાં કટિંગના એક કેરેટ નેચરલ હીરાનો ભાવ 3 લાખથી તૂટી આજે 2.20 લાખ થઈ ગયો છે. જ્યારે લેબમાં બનતો એક કેરેટનો હીરો હાલ 25 હજારમાં મળે છે. લેબગ્રોન ડાયમંડની ઊંચી માંગને કારણે નેચરલ ડાયમંડના ભાવ તૂટ્યા છે.2015માં બંને વચ્ચે 10 ટકા ભાવ તફાવત હતો જે આજે 90 ટકા થઈ ગયો છે.
દેશમાંથી ત્રીજા ભાગના હીરા ચીનમાં નિકાસ થતા હતા. પરંતુ ચીને આ ખરીદી બંધ કરી દીધી છે. હાલ તે માંડ 15 ટકા હીરાની ખરીદી ભારતમાંથી કરે છે આને કારણે ભાવ તૂટ્યા છે. આ ઉપરાંત અન્ય પરિબળ પણ છે.