વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી રહી, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ હતી. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.
એસોસિએશન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શકી ન હતી. વિનેશ ઓલિમ્પિકમાં આ વજન વર્ગમાં રમી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં. આ પછી 50 કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.
બુધવારે સાંજ સુધીમાં ઓલિમ્પિક એસોસિએશન તરફથી આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ મંગળવારે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ મુજબ હતું. જોકે, આ વજન સ્પર્ધા પહેલા દરરોજ જાળવી રાખવાનું હોય છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘી ન હતી અને પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. જેમાં જોગીંગ, સ્કીપીંગ અને સાયકલીંગનો સમાવેશ થાય છે. જોકે આ પૂરતું પુરવાર થયું નથી. ભારતીય પ્રતિનિધિમંડળે વિનેશને થોડો વધુ સમય આપવાની માગ કરી હતી, પરંતુ તેમની માગ સાંભળવામાં આવી ન હતી.
વિનેશે અગાઉ 53 કિગ્રા વજન વર્ગમાં લડત આપી હતી. આ પ્રથમ વખત છે જ્યારે તે 50 કિગ્રામાં સ્પર્ધા કરી રહી છે. બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી.