ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બળજબરીથી લગ્ન કરવાના આશયથી સગીરાનું અપહરણ કરવાના 2590 કેસ નોંધાયા છે. સૌથી વધુ 622 કેસ 2022માં નોંધાયા છે. 2018માં 569 કેસ, 2019માં 553 કેસ, 2020માં 363 કેસ અને 2021માં 483 કેસ નોંધાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, પાંચ વર્ષના ગાળામાં સૌથી વધુ રાજકોટમાં 250 સગીરાઓનું લગ્ન કરવાના હેતુથી અપહરણ કરવામાં આવ્યું. બીજા ક્રમે કચ્છમાં 202 અને ત્રીજા ક્રમે દાહોદમાં 173 સગીરાના અપહરણ થયા.
દેશમાં બાળલગ્નોની સ્થિતિ અને તેને રોકવા માટેના પ્રયાસો વિશે માહિતી આપતો રિપોર્ટ ‘ટુવર્ડ જસ્ટિસ-એન્ડિંગ ચાઇલ્ડ મેરેજિસ’ ઈન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન સંસ્થાની રિસર્ચ ટીમે નેશનલ ફેમિલી હેલ્થ સરવેના છેલ્લા વર્ષના રિપોર્ટના આધારે તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, 18થી 24 વયજૂથની મહિલાઓ જેમના લગ્ન 18 વર્ષથી પહેલા થઈ ગયા હોય તેમાં ખેડા જિલ્લો દેશમાં 22મા રેન્ક પર છે. સરવેમાં ભાગ લેનારી ખેડા જિલ્લાની 49.2% મહિલાઓએ તેમના લગ્ન સગીરવયે થયા હોવાનું જણાવ્યું હતું.
ટુવર્ડ જસ્ટિસ-એન્ડિંગ ચાઇલ્ડ મેરેજિસ રિપોર્ટમાં NFHS-5ના આંકડાના આધારે 15થી 19 વર્ષની મહિલાઓ જે માતા બની ગઈ હોય કે ગર્ભવતી હોય તેની વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં તેનું પ્રમાણ 5.2% નોંધાયું છે. દેશમાં આવી મહિલાઓનું સરેરાશ પ્રમાણ 6.8% છે. સૌથી વધુ ત્રિપુરામાં 21.9%, બીજા ક્રમે પ. બંગાળમાં 16.4%, ત્રીજા ક્રમે આંધ્ર પ્રદેશ 12.6% મહિલાઓ છે. આ મામલામાં ગુજરાત 15મા ક્રમે છે.