બંગાળી અખબાર ઢાકા ટ્રિબ્યુન અનુસાર સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોની એક ટીમ આવતા સપ્તાહે બાંગ્લાદેશની મુલાકાત લેશે. આ ટીમ PM હસીનાના રાજીનામા પહેલા અને પછી થયેલા પ્રદર્શનકારીઓની હત્યાની તપાસ કરશે. એક અધિકારીએ કહ્યું કે, 1971માં બાંગ્લાદેશની આઝાદી બાદ આ પ્રથમ વખત હશે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની ટીમ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે પહોંચશે.
બાંગ્લાદેશે USA-રૂસ સહિત 7 દેશના રાજદૂતોને બોલાવ્યા
બાંગ્લાદેશની વચગાળાની સરકારે અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, જાપાન, જર્મની, યુએઈ અને માલદીવમાં તૈનાત પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. તેમની નિમણૂક શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.
8 ઓગસ્ટે વચગાળાની સરકારની રચના બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે વહીવટી ફેરબદલ થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર 7 દેશોના રાજદૂતોને પરત બોલાવવા સંબંધિત અલગ-અલગ સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરોની ઢાકામાં બદલી કરવામાં આવી છે. તેમને તેમની વર્તમાન જવાબદારી છોડીને ઢાકા પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.હાઈ કમિશનર અને રાજદૂતો ઉપરાંત વોશિંગ્ટનમાં સેક્રેટરી વહીદુઝમાન નૂર અને કાઉન્સેલર અરિફા રહેમાન રુમા, ઓટ્ટાવા, કેનેડામાં કાઉન્સેલર અપર્ણા રાની પાલ અને કાઉન્સેલર મોબાશ્વીરા ફરઝાના અને ન્યૂયોર્કમાં સેક્રેટરી આસિબ ઉદ્દીન અહેમદની કરાર આધારિત નિમણૂકો રદ કરવામાં આવી છે. આ પાંચેયને 31 ઓગસ્ટ પહેલા દેશમાં બોલાવવામાં આવ્યા છે.