શુક્રવારે ઝારખંડમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. દેવઘર અને ગઢવા જિલ્લામાંથી 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
દેવઘર જિલ્લામાં સોનારાયથારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડોડિયા ગામમાં એક તળાવમાંથી 8 અને 9 વર્ષના ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકો ગુરુવારથી ગુમ થયા હતા અને તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દેવઘરના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર રિત્વિક શ્રીવાસ્તવએ આ માહિતી આપી હતી. બીજી તરફ, ગઢવા જિલ્લાના બંશીધર નગર પંચાયત વિસ્તારના બાભની ખંડ ડેમમાંથી 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સૂરજ ઉરાં (11), મનીષ મિંજ (13) અને ચંદ્રકાંત કુમાર (9) તરીકે થઈ છે. બંશીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સત્યેન્દ્ર નારાયણ સિંહે આ માહિતી આપી હતી.
દેવઘરમાં મળી આવેલા ત્રણમાંથી બે બાળકો એક જ પરિવારના હતા. બાળકોના પરિવારજનોએ આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમનું કહેવું છે કે 4 દિવસ પહેલા ગામના કેટલાક લોકોએ તેમના પરિવારના સભ્યોને માર માર્યો હતો અને આ બાળકોની હત્યા પાછળ તેમનો હાથ હોઈ શકે છે.






