ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો કારને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોંડલના 2 યુવાનો અને ધોરાજીના 2 યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર GJ.03 LG.5119 રાજકોટ તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર GJ.03 ML.2444 સામે અથડાતા બોલેરો અને સ્વીફ્ટ કાર પલટી જવા પામી હતી.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે સ્વીફ્ટ કાર ચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી હતી. ત્યાર બાદ સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી (ગોથાં) મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જીન છુટુ પડી ગયું હતું અને સ્વીફ્ટ કાર ટોટલ લોશ થઈ જવા પામી હતી.
બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો મોતને ભેટ્યા છે. જેમાં સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.35) (રહે. મારૂતિનગર ઉમવાળા અંડરબ્રિજ પાસે) અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજા (ઉ.વ.39) રહે.રેલ્વે સ્ટેશન પાછળ મહાકાળી નગર વાળાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નિપજ્યા છે. મૃતક યુવાન યુવાન વીરેન દેશુરભાઈ કરમટાનો આજે જન્મ દિવસ છે. જન્મ દિવસના દિવસે જ મોતને ભેટ્યો છે જ્યારે તેમની સાથે સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું મોત નિપજ્યું છે.