કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર વચ્ચે થાણેના બદલાપુરમાં શાળામાં બે છોકરીના યૌનશોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ મંગળવારે ગુસ્સે ભરાયેલા ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાંએ પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી. પોલીસે ભીડને રોકવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા, ત્યાર બાદ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
23 વર્ષીય આરોપીએ 16 ઓગસ્ટના રોજ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌનશોષણ કર્યું હતું. છોકરીનાં માતા-પિતાએ એક દિવસ પછી FIR નોંધાવી છે. પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. એ વિસ્તારની મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થાણે પોલીસ કમિશનરને બદલાપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જેઓએ બદલાપુરની ઘટનામાં પ્રારંભિક તબક્કામાં કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને આ મુદ્દે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.