રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે.
140થી વધુ તાલુકામાં વરસાદ
ગઈકાલે રાજ્યના 140થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી તો ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.