ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સર્જાયેલા મેઘતાંડવે સાર્વત્રીક તારાજી સર્જી છે કૃષિક્ષેત્રથી માંડીને રોડ રસ્તાનુ ધોવાણ થયુ છે.સંખ્યાબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે. 50000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયુ હતું. જયારે 4000 થી વધુનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. વિજળી સહીતની સરકારી સેવાઓ વેરવિખેર બની હતી. હજારો વૃક્ષ ધરાશાયી થયા હતા અને સેંકડો વિજ થાંભલાઓ પડી ગયા હતા. વડાપ્રધાન મોદીએ બે વખત મુખ્યમંત્રી સાથે વાત કરી તમામ મદદની ખાતરી ખાતરી આપી છે.
ગુજરાત પર એક સાથે ત્રણ સીસ્ટમ ભેગી થઈ જવાના પ્રભાવ હેઠળ સવારથી શરૂ થયેલી મેઘસવારી સતત ચાલુ જ રહી હતી. સળંગ 96 કલાકનાં વરસાદથી મેઘતાંડવનુ સ્વરૂપ સર્જાયુ હતું. ઠેકઠેકાણે પૂર જેવી હાલતથી રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર ઉપરાંત એસડીઆરએફ-એનડીઆરએફ તેમજ સૈન્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી હતી. એરફોર્સ તથા કોસ્ગાર્ડ દ્વારા પણ ફસાયેલા સંખ્યાબંધ લોકોને એરલીફટ કરીને ઉગારી લીધા હતાં.
સળંગ ભારે વરદાસથી સરકારી સેવાઓ વેરવિખેર થવા સાથે ભારે તારાજી સર્જાઇ હતી. તોફાની પવન સાથેના મેઘતાંડવમાં રાજ્યભરમાં હજારો વૃક્ષો ધરાશાયી બન્યા હતા. સેંકડો વિજથાંભલા જમીનદોસ્ત બન્યા હતા. વિજ ટ્રાન્સફોર્મર, ફીડરમાં નુકશાની વચ્ચે સેંકડો ગામોમાં અંધારા ઉતર્યા હતા. શહેરોમાં પણ ઠેકઠેકાણે વિજફોલ્ટ સર્જાયો હતો. માર્ગોનું ધોવાણ થયું હતું. વરસાદી પાણી ભરાવાથી અનેક હાઇવે પણ બંધ કરવાની નોબત આવી હતી. કૃષિ ક્ષેત્ર માટે અતિવૃષ્ટિની હાલત હોય તેમ ખેતરો પાણીથી તરબોળ હોવાથી વાવેતર-પાકની સ્થિતિ કેવીક રહેશે અને કેટલી મોટી નુકશાની થાય છે તેનો અંદાજ હવે પછી નીકળી શકે તેમ છે.
ચાર દિવસ જનજીવન-રફતાર થંભી ગયાની હાલત વચ્ચે નુકશાનીનો આંકડો ઘણો મોટો રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી જેવા જીલ્લાઓમાં મેઘકોપ હતો તેવી જ રીતે ગુજરાતમાં વડોદરા જેવા શહેરોની હાલત વધુ ખરાબ હતી. રાજ્યમાં વરસાદી દુર્ઘટનાઓનો મૃત્યુઆંક 35નો થયો હતો. રાજ્ય સરકારના સતાવાર રીપોર્ટ પ્રમાણે ગઇકાલ સુધી 28ના મોત હતા ત્યારબાદ રાજકોટ જીલ્લામાં તથા મોરબીમાં ચાર મોત નોંધાયા હતા.