કમીટમેન્ટ, બંધન,પંક્ચયુઆલિટી-સમય પાલન, નિયમિતતા, નિષ્ઠા , આ બધાથી શું મળે ? આ બધાથી વિકાસ થાય ? વિનાશ થાય ? આવા ઘણા પ્રશ્નો બુદ્ધિશાળી લોકોને થાય છે. કોઈ નિર્ણય પર આવી ન શકાય ? કોઈ કનકલુઝન ન મળે.
માણસનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ તે સૌ પ્રથમ પોતાનો વિચાર કરતો થયો. ભૂખ લાગતા પોતાના પેટ ભરવાનો વિચાર કર્યો, એ પછી કામ ઉદીપક થતા સ્ત્રીનો વિચાર કર્યો. એ પછી બાળકોનો વિચાર કર્યો. આમ માણસ કુટુંબનો વિચાર કરતો થયો.એ પછી માણસ ટોળીમાં રહેતો થયો, કબીલામાં રહેતો થયો. આ રીતે ગામો, શહેરો , રાષ્ટ્ર અને દુનિયાનું ઘડતર થયું. ધીમે ધીમે નિયમોને કાયદાઓ અમલમાં આવ્યા. રાષ્ટ્રના કાયદા અને નિયમો થયા બાદમાં દુનિયાના કાયદા અને નિયમો થયા , ગામની પંચાયતો થઇ , સોસાયટીના નિયમો થયા , છેલ્લે ઘરમાં પણ બધું નિયમસર ચાલ્યું. ધીમે ધીમે માણસ પણ નિયમસર જીવતો થયો.સવારે ઉઠીને તૈયાર થાય એટલે પૂજા કરવા જવાનું હોય તો તેના નિયમ પ્રમાણેના કપડા, જો ઓફીસ જવાનું હોય તો તેના નિયમ પ્રમાણેના કપડા, જો લગ્નમાં જવાનું હોય તો તેના નિયમ પ્રમાણેના કપડા. તૈયાર થઈને માણસ રોડ પર આવે તો ટ્રાફિકના નિયમો, ઓફિસમાં દાખલ થાય તો નિયમ મુજબ કાર્ડ પંચ થાય અથવા રજીસ્ટરમાં હાજરી પુરવાની, બે વાગે એટલે ભૂખ લાગી હોય કે ન લાગી હોય નિયમ મુજબ જમવા બેસી જવાનું. આ રીતે માણસ જીવતો જીવતો નિયમમય થઇ ગયો. માણસ નિયમ માટે છે કે નિયમો માણસો માટે એ જ માણસ નક્કી ન કરી શક્યો.આપણે ઘાંચીના બળદની જેમ નિયમની ઘરેડમાં એટલા અટવાઈ ગયા છીએ કે આપણને નિયમનું બંધન નથી લાગતું પરંતુ આ નિયમની ઘરેડ ન હોય તો જીવવું દુષ્કર થઇ પડે છે. મારા ઘણા વેપારી મિત્રોને રવિવાર ત્રાસદાયક લાગે છે એમને રવિવાર એટલે લાઈફમાં વેક્યુમ ક્રિએટ થતું હોય તેવું લાગે. આ દિવસે નિયમ વગર જીવવું દુષ્કર લાગે છે.
તો પ્રશ્ન એ થાય કે આ બંધન કામનું કે નકામું ? ઝાડ એમ કહે કે મને જમીનનું બંધન ન જોઈએ , નદી એમ કહે કે મને કિનારાનું બંધન ન જોઈએ, વિધાર્થી કહે મને અભ્યાસનું બંધન ન જોઈએ તો ? ઝાડ સુકાઈ જાય, નદી માતા ન રેહતા રૌદ્ર રૂપ ધારણ કરે, વિધાર્થી “ઢ” રહી જાય. તો બંધન કેટલું? કોમ્પ્રોમાઈઝ કેટલું? છુટ છાટ કેટલી? તેનો માપદંડ શું ? કેટલો? આવા અનેક પ્રશ્નોની હારમાળા સર્જાય.
એક યુવાન આવા નિયમોના બંધનથી ગુચવાઈ ગયો.જ્યાં ગયો ત્યાં બધે જ નિયમો. આથી એક દિવસ એ પોતાની ગીટાર લઈને નદી કિનારે જતો રહ્યો. પેલો યુવાન સેડ મૂડમાં સુદંર ગીટાર વગાડતો બેઠો છે. તેની પાછળ બાકડા પર એક રીટાયર્ડ પ્રોઢ બેઠા બેઠા તેની ગીટાર સાંભળે છે તેનો સેડ મૂડ તેમને સ્પર્શી જાય છે. પેલો ૩૦-૪૦ મિનીટ સુધી ગીટાર વગાડીને બાજુમાં મુકે છે એટલે પેલા વડીલ પાસે જઈને પ્રેમથી તેના માથા પર હાથ મુકીને કહે સુંદર ગીટાર વગાડે છે, પણ આટલી કરુણા કેમ ભરી દીધી તેમાં ? પેલો કહે શું કહું કંટાળી ગયો છું. જ્યાં જુવો ત્યાં નિયમ , નિયમ, નિયમ. લાઈફમાં કોઈ ફ્રીડમ જ નહીં. વડીલ કહે બેટા હવે અમે તો જિંદગી પૂરી કરી તમારી નવી જનરેશનની તકલીફ સમજીએ છીએ પણ શું કરીએ ? એક કામ કરીશ ? મને તારું ગીટાર વગાડવા આપીશ ? પેલો કહે તમને આવડે છે ? વડીલ કહે ના. પણ તને વગાડતા જોઇને મને પણ તે વગાડવાની ઈચ્છા થઈ ગઈ.
યુવાન કહે સરસ , આ લો વગાડો . વડીલે ગીટાર લઈને તેના તાર સેટ કરવાનો પ્રયત્ન કર્યો તો પેલો યુવાન કહે અરે એ તો ખુબ ઢીલા છે નહીં વાગે , એટલે વડીલે રીવર્સ પ્રક્રિયા કરી તો પેલો યુવાન કહે અરે એ તો બહુ ટાઈટ થઈ ગયું , તાર તૂટી જશે. એમ કહીને યુવાને પરફેક્ટ તાર સેટ કરી આપ્યા પછી કહે હવે વગાડો. વડીલ કહે બેટા મને વગાડતા જ નથી આવડતું એમ છતા મારે તને આજ કહેવું હતું. યુવાન કહે શું કહેવું હતું ? કે જીવનમાં નિયમો પણ આ ગીટારના તાર જેવા જ છે. જો દીકરા તું નિયમને જડની જેમ ટાઈટ પકડી રાખશો તો તૂટી જઈશ અને ઢીલા છોડી દઈશ તો એ જીવનનો સુર નહીં છેડી શકે. એટલે જ લાઈફમાં નિયમો માટે આ ગીટારના તારની જેવું બેલેન્સ રાખવાનું છે. ભગવદ ગીતા પણ આજ કહે છે યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્યકર્મસુ ૬/૧૭.