ભાવનગર જિલ્લામાં ક્રિકેટ સિવાયની અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ટેનિસ કપ ટૂર્નામેન્ટનું આયોજન રેન્જ આઇ.જી.દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહીંયા ઉપસ્થિત રહ્યાં હતાં.
રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે આ પ્રસંગે જણાવ્યું કે, આપણું સદભાગ્ય છે કે, ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ટેનિસ જેવી રમતો માટેના વિશેષ કોર્ટ ઉપલબ્ધ છે. તેમણે ભાવનગરવાસીઓને તેનો વધુમાં વધુ લાભ લેવાં માટે અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે ભાવનગરમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ભાવનગર શહેરની મધ્યમાં આવેલ વિક્ટોરિયા પાર્ક સ્વર્ગ સમાન છે.
રાજ્ય સરકાર દ્વારા સરસ સિન્થેટિક ટ્રેક ભાવનગર ખાતે બનાવી આપવામાં આવ્યો છે ત્યારે તેનો વધુમાં વધુ ઉપયોગ કરીને ટેનિસની નવી પરંપરા શરૂ કરવાની જરૂરિયાત છે. જેની શરૂઆત આ ટૂર્નામેન્ટથી થઈ ચૂકી છે.તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતમાં હાર-જીત અગત્યની નથી પરંતુ રમતના મેદાનમાં ઉતરવું એ અગત્યનું છે. રમત -ગમત જીવનમાં નીતિમત્તા, સ્પોર્ટ્સમેન સ્પિરીટ, એકતા અને જૂથ ભાવનાને પ્રબળ બનાવે છે.
સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ ચાલી રહી છે. ‘ખેલેગા ઇન્ડિયા- જીતેગા ઈન્ડિયા’ની આધારે ગુજરાતમાં ‘રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ ની તર્જ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિદર્શન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. આ તકે સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાં માટે ઉપસ્થિત રહ્યાં હતાં.