મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીમાં ખળભળાટ મચી જવાથી મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. મહારાષ્ટ્રથી ગુજરાતના સુરતમાં ધામા નાખેલા એકનાથ શિંદે પાર્ટીના 33 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો સહિત ગુવાહાટી પહોંચ્યા છે. ગુવાહાટી પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારી પાસે 40 ધારાસભ્યો છે. બીજી તરફ CM ઉદ્ધવ ઠાકરેએ આજેબપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરવા પાર્ટીના ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. શિવસેનાના સૌથી વફાદાર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કરતા બે ડઝનથી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લીધા છે. રાજકીય વાતાવરણમાં ગરમાવો જોતા તેઓ હવે આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા છે.
હાલમાં સુરત એરપોર્ટ પર ગુવાહાટી જતા પહેલા એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી નથી અને આગળ પણ છોડશે નહીં. તેમણે કહ્યું છે કે ‘અમે બાળાસાહેબના હિન્દુત્વને અનુસરી રહ્યા છીએ અને તેને આગળ લઈ જઈશું.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ દ્વારા ભાજપ માટે 5 બેઠકો જીતાડનાર તમામ ધારાસભ્યો મંગળવારે સવારે ગુજરાતના સુરત પહોંચ્યા હતા. જે બાદ શિંદેએ દાવો કર્યો હતો કે તેમની પાસે 35 ધારાસભ્યોનું સમર્થન છે અને શિવસેના પ્રમુખ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરી હતી. એકનાથ શિંદે, જેઓ હાલમાં મહારાષ્ટ્રમાં 4 વખત ધારાસભ્ય છે, તેઓ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ અને PWD મંત્રી છે.
શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં, કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને બહુમતી સાથે સત્તામાં રહેવા માટે 144 ધારાસભ્યોની જરૂર છે. બીજી તરફ વર્ષ 2019 માં યોજાયેલી ચૂંટણીમાં, ભાજપે 105 બેઠકો જીતી હતી. જે હવે પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણી જીતીને 106 થઈ ગઈ છે.શિવસેના પાસે હાલમાં 55, NCP પાસે 53 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. ગૃહમાં 13 અપક્ષ છે. 13 અપક્ષ ઉમેદવારોમાંથી છ ભાજપના સમર્થક છે, પાંચે શિવસેનાને સમર્થન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી પાસે એક-એક અપક્ષ છે.