અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમમાં ઉત્તરાધિકારીના વિવાદમાં વધુ એક વળાંક સામે આવ્યો છે. આશ્રમના ટ્રસ્ટીઓ અને મેનેજર રામ ગઢવીએ પોલીસની હાજરીમાં ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતા જે રૂમમાં રહેતા હતા તેને ખોલ્યો હતો. સંસારિક જીવન જીવતા વ્યક્તિ જે કપડાં પહેરે તેવા અલગ અલગ કપડાંઓ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. જીન્સ ટીશર્ટ સહિતના અલગ અલગ કપડાં અને નાના બાળકોના રમકડા પણ મળી આવ્યા હતા. જે જોઇને ટ્રસ્ટીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આશ્રમના રૂમમાંથી કપડાં અને રમકડા મળી આવ્યા છે. જે હોવા જોઇએ નહીં. કોઇ સાધુ પાસે કોઇ સાંસારિક જીવનના કપડાં હોતા નથી, પરંતુ આ રૂમમાંથી મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતી આશ્રમ વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી બાપુ ભારતી આશ્રમમાં વહીવટકર્તા હતા. ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતી (માતાજી)ને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે.
શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં.