કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઈપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઊતરી રહ્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે. તેઓ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે, દર ત્રણ વર્ષે સ્ટાઈપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમજ સ્ટાઇપેન્ડ પણ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું છે.
એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નિકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આજે અમદાવાદમાં 10 હજારથી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 40 ટકા સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.
રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે.