કોંગ્રેસે બુધવારે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા કથિત રીતે જારી કરવામાં આવેલા આંકડાઓનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો હતો કે, જાહેર ક્ષેત્રની બેંકોને નાણાકીય રીતે કટોકટીગ્રસ્ત ૧૦ કંપનીઓ પાસેથી લગભગ ૬૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં. જો કે અદાણી જૂથ દ્વારા આ કંપનીઓને અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને ફક્ત ૧૬૦૦૦ કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એસોસિએશન દ્વારા કથિત રીતે શેર કરવામાં આવેલ વિગતોનો એક ફોટો શેર કર્યો હતો જેમાં દેખાડવામાં આવ્યું હતું કે ૧૦ કંપનીઓને ૯૬ ટકાથી લઇને ૪૨ ટકા સુધી ‘હેરકટ’ આપવામાં આવ્યા કારણકે તેમને અદાણી જૂથે ખરીદી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને જાહેરમાં ઉપલબ્ધ આંકડાઓના માધ્યમથી જણાવ્યું છે કે કઇ રીતે જાહેર ક્ષેત્રની બેંકોને આર્થિક રીતે કટોકટીગ્રસ્ત ૧૦ કંપનીઓના લગભગ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં અદાણી જૂથ દ્વારા આ કંપનીઓનું અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને ૧૬૦૦૦ કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.
જયરામ રમેશે જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રની રંગીન ભાષામાં જણાવવામાં આવે તો આ બેંકો દ્વારા લેવામાં આવેલ ૭૪ ટકા ‘હેરકટ’ છે. કોંગ્રેસ ઘણા સમયથી અદાણી જૂથની વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાના આરોપો મૂકી રહી છે. અદાણી જૂથે આરોપોને ખોટા ગણાવી ફગાવી દીધા છે. તેણે જણાવ્યું છે કે તે તમામ કાયદાઓનું પાલન કરે છે.