સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જો કે, મોડીરાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું. તેમજ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. લોકો બેકાબૂ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું. પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે, ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. પથ્થરબાજો ઉપર પણ સખ્તાઈપૂર્વકના પગલાં લઈશું. આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે. હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો
આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી છે. પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી હતી.
નાની વયના કિશોરો દ્વારા પથ્થર મારવામાં આવ્યા
ગણેશ મંડળના આયોજક મનીષાબેન ઘાયલે જણાવ્યું હતું કે, મૂર્તિ ખંડિત થઈ નથી, મૂર્તિને નીચે જે ઢોલ છે તે ફાટી ગયું છે. નાની વયના કિશોરો દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. અમે શાંતિપૂર્વક આ વિસ્તારમાં રહીએ છીએ. ભાઈચારો પણ જાળવીએ છીએ. તાજીયાના ઝુલુસ પણ અમારા વિસ્તારમાંથી નીકળે છે. ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી નથી. પરંતુ ક્યાં કારણસર આ પ્રકારે પથ્થર મારવામાં આવ્યા છે તે સમજાતું નથી. ગત વર્ષે પણ અન્ય એક નજીકના ગણેશ પંડાલમાં આ પ્રકારે પથ્થર મારવાની ઘટના સામે આવી હતી. તેમાં પણ નાના બાળકો જ હતા.