કોલકાતા આરજી કર કોલેજ અને હોસ્પિટલ સંબંધિત તપાસનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને ગુરુવારે વધુ એક આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેનું મેડિકલ પ્રેક્ટિસનું લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે ગુરુવારે RG કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. એક અધિકારીએ આ માહિતી આપી. ઘોષ હાલમાં RGKar હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં CBIની કસ્ટડીમાં છે. ઘોષને ફેબ્રુઆરી 2021માં આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિરોધ બાદ પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું.
WBMC દ્વારા તૈયાર કરાયેલા રજિસ્ટર્ડ ડોક્ટરોની યાદીમાંથી ઘોષનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળ મેડિકલ એક્ટ 1914ની વિવિધ જોગવાઈઓ હેઠળ ઘોષનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઘોષ ઓર્થોપેડિક સર્જન છે અને લાયસન્સ વિના તેઓ સારવાર કરી શકશે નહીં.






