પાકિસ્તાનમાં ગઈકાલે ૧૧ દેશોના રાજદૂતોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ રિમોટ કંટ્રોલ બોમ્બ વડે વાનને ઉડાવી દીધી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું,જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત હતું.
જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદૂતોના સમૂહને નિશાન બનાવતા કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં શેરાબાદ પહોંચતા હુમલો કરવામાં આવ્યો હતો.
કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત ૧૧ દેશોના રાજદૂતો સામેલ હતા.





