રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં છેતરપિંડીનું આ નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ગાંધીનગર રેન્જ આઇજીએ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.
ટીમે મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ હાથ ધરતાં તેના તાર ગાંધીનગરના દંતાલી ગામ સુધી પહોંચ્યા હતા. પોલીસે અહીં દરોડો પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યારસુધીમાં કુલ 29 આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકોએ રાજ્યના અલગ અલગ લોકો ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એની છેતરપિંડીનો આંક 27 કરોડ આસપાસ થવા જાય છે.