કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની બીએન પાર્વતીએ MUDA (મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ને પત્ર લખીને 14 પ્લોટ પરત કરવાની ઓફર કરી છે. પત્રમાં પાર્વતીએ લખ્યું છે કે, આ પ્લોટ પરત કરવાની સાથે હું MUDA સંબંધિત તમામ આરોપોની તપાસની પણ માંગ કરું છું. અગાઉ 30 સપ્ટેમ્બરે EDએ સિદ્ધારમૈયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. EDએ આ કેસમાં સિદ્ધારમૈયા, તેમના પત્ની, સાળા અને કેટલાક અધિકારીઓના નામ પણ સામેલ કર્યા છે.
MUDAને મોકલેલા પત્રમાં CMના પત્નીએ લખ્યું છે કે, કેટલાક લોકો પૂછી શકે છે કે આ સમયે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો? મેં આ નિર્ણય એ જ દિવસે લીધો હતો જ્યારે આરોપો લાગ્યા હતા. MUDA પ્લોટ ફાળવણી અંગેના આક્ષેપો રાજકીય પ્રેરિત હોવાથી, કેટલાક શુભેચ્છકોએ સલાહ આપી કે આપણે આ અન્યાય સામે લડવું જોઈએ અને તેમની યોજનાઓનો ભોગ ન બનવું જોઈએ. તેથી જ મેં શરૂઆતમાં પ્લોટ પરત કરતા અટકાવ્યો હતો. હું તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને મીડિયાના સભ્યોને અપીલ કરું છું. મહેરબાની કરીને રાજકીય પરિવારોની મહિલાઓને વિવાદમાં ન ખેંચો. તેમને રાજકીય વિવાદોમાં ફસાવીને તેમની ગરિમા અને સન્માનને નુકસાન ન પહોંચાડો.
પત્નીના પ્લોટ પરત કરવાના નિર્ણય વચ્ચે સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, રાજ્યના લોકો પણ જાણે છે કે વિપક્ષી પાર્ટીઓએ રાજકીય નફરત પેદા કરવા માટે મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી અને મારા પરિવારને વિવાદમાં ઘસડી.મારું સ્ટેન્ડ આ અન્યાય સામે ઝૂક્યા વિના લડવાનું હતું. પરંતુ મારી સામે ચાલી રહેલા રાજકીય કાવતરાથી નારાજ મારી પત્નીએ આ પ્લોટ પરત કરવાનો નિર્ણય કર્યો છે. તે મારી વિરુદ્ધ નફરતની રાજનીતિનો શિકાર છે અને માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. હું આ માટે દિલગીર છું. જોકે, પ્લોટ પરત કરવાના મારી પત્નીના નિર્ણયનું હું સન્માન કરું છું.