સામાજીક (પર્યાવરણ)કાર્યકર્તાસોનમ વાંગચુક સહિત લદ્દાખના અંદાજે 150 લોકોને દિલ્હી પોલીસે સોમવારે રાત્રે સિંઘુ બોર્ડર પરથી અટકાયતમાં લીધા હતા. વાંગચુક કેન્દ્રશાસિત પ્રદેશને છઠ્ઠી અનુસૂચિનો દરજ્જો આપવાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોનમ વાંગચુકની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે શું ખેડૂતોની જેમ આ ચક્ર પણ તૂટી જશે અને તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે. સોનમ વાંગચુક 700 કિલોમીટર લાંબી ‘દિલ્લી ચલો પદયાત્રા’ દરમિયાન હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશતા જ પોલીસે તેને રોકી હતી. તેમની સાથે લદ્દાખના લગભગ 150 પદયાત્રીઓ પણ વિરોધ કરવા દિલ્હી તરફ આવી રહ્યા હતા. માર્ચને રોકવા માટે સોમવાર સાંજથી જ સિંઘુ બોર્ડર પર સેંકડો જિલ્લા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
નોર્થ-આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી રવિ કુમાર સિંહે કહ્યું કે દિલ્હીમાં કલમ 163 લાગુ છે. બધા એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા. જ્યારે કલમ 163 લાગુ કરવામાં આવે છે, ત્યારે પાંચ કે તેથી વધુ લોકો એકસાથે ભેગા થઈ શકતા નથી. પોલીસે સોનમ સહિત કુલ 126 લોકોની અટકાયત કરી છે. આ તમામને દિલ્હી પોલીસના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.