સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે, રજનીકાંતને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય અભિનેતાની તબિયત હાલ સ્થિર છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અભિનેતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઈ સતીશ હેઠળ એક ઇલેક્ટિવ પ્રક્રિયામાંથી પસાર થશે. આ પ્રક્રિયા મંગળવારે કાર્ડિયાક કેથ લેબમાં કરવામાં આવશે. અભિનેતાના હેલ્થ અપડેટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, અભિનેતાના પરિવાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.
રજનીકાંતની પત્ની લતાએ અભિનેતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. જોકે, તેણે વધુ કંઈ જણાવ્યું ન હતું, તેમણે ફક્ત એટલું જ કહ્યું, “બધું સારું છે.” હવે સોશિયલ મીડિયા પર ફેન્સ રજનીકાંતના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
રજનીકાંત હાલ લોકેશ કનાગરાજની ફિલ્મ ‘કુલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલા સોમવારે તેઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ એસ. પી. મુથુરામન અને એવીએમ સરવણનને મળ્યા હતા અને આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન, જય ભીમના દિગ્દર્શક ટીજે જ્ઞાનવેલ સાથે રજનીકાંતની ડેબ્યુ ફિલ્મ ‘વેટ્ટાઈન’ 10 ઓક્ટોબરે સ્ક્રીન પર આવવાની તૈયારીમાં છે. લાયકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વૉરિયર, રિતિકા સિંહ અને અન્ય ઘણા કલાકારો છે.