સુપ્રીમ કોર્ટે તિરુપતિ પ્રસાદમ વિવાદની સુનાવણી કરતાં, આ બાબતની સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. સુપ્રીમે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરનારી નવી SITમાં CBIના બે અધિકારીઓ હશે. આ ઉપરાંત ટીમમાં બે લોકો રાજ્ય પોલીસના અને FSSAIના એક અધિકારી પણ હશે. આ આદેશ આપતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જોકે સોલિસિટર જનરલે જૂની SITમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તેમ છતાં સુપ્રીમે નવી SITની રચના કરી દીધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રસાદમાં ભેળસેળના આરોપોએ વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. જણાવી દઈએ કે તિરુપતિ મંદિરમાં ભગવાનનો પ્રસાદ (લાડુ) બનાવવા વપરાતા ઘીમાં પશુ ચરબી સહિત ભેળસેળ હોવા મુદ્દે મોટી બબાલ મચી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ રહેશે. આ કેસની સુનાવણી બુધવારે મુલતવી રાખવામાં આવી હતી. એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે કેન્દ્રનો જવાબ રજૂ કરશે, એટલા માટે આ કેસની સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.