વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PMએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશને વિભાજિત કરવાની રાજનીતિ કરે છે. PMએ કહ્યું- આજ સુધી કોંગ્રેસના એકપણ નેતાએ કહ્યું નથી કે આપણાં મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ હોય છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે પણ હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે કોંગ્રેસ જાતિની ચર્ચા શરૂ કરે છે.
PM મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોના મનમાં ભયનું વાતાવરણ બનાવી રહી છે. કોંગ્રેસ લોકોમાં ભય પેદા કરે છે. કોંગ્રેસ પોતાની વોટબેંક ખાતર દેશનું સાંપ્રદાયિકીકરણ કરી રહી છે. કોંગ્રેસની ફોર્મ્યુલા સ્પષ્ટ છે કે મુસ્લિમોને ડરાવતા રહો, તેમને ડર બતાવો, તેમને વોટબેંકમાં ફેરવો અને વોટબેંકને મજબૂત કરો.કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે હિન્દુઓ જેટલા વધુ વિભાજિત થશે તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજને આગમાં રાખવા માંગે છે, જેથી તે તેના પર રાજકીય રોટલા શેકતી રહે. ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં કોંગ્રેસ આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.
મોદીએ કહ્યું- કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. કોંગ્રેસની રાજનીતિનો આધાર હિન્દુ સમાજને વિભાજિત કરીને પોતાની જીતની ફોર્મ્યુલા બનાવવાનો છે. કોંગ્રેસ ભારતની ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાનું દમન કરી રહી છે, તે સનાતન પરંપરાને કચડી રહી છે. કોંગ્રેસ હંમેશાં ભાગલા પાડો અને સત્તા મેળવોની ફોર્મ્યુલાને અનુસરે છે. કોંગ્રેસે વારંવાર સાબિત કર્યું છે કે તે એક બેજવાબદાર પાર્ટી છે. તે હજુ પણ દેશના ભાગલા પાડવા માટે નવા પ્લાન ઘડી રહી છે. કોંગ્રેસ સમાજમાં ભાગલા પાડવાની ફોર્મ્યુલા લાવતી રહે છે.
કોંગ્રેસના નેતા પવન ખેડા Xપર પોસ્ટ કરી- પીએમ મોદીએ રાજકીય ભાષણ આપવા અને વિપક્ષ પર પ્રહાર કરવા માટે સરકારી કાર્યક્રમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. કરદાતાનાં નાણાંનો ઉપયોગ વૈભવી વસ્તુઓ માટે ન કરવો જોઈએ. તેઓ રાજકીય ભાષણ માટે ભાજપના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.