પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારતીય મીડિયા સાથે વાત કરી હતી. પત્રકારનો સાથે વાત કરતા નવાઝ શરીફે વિદેશમંત્રી એસ. જયશંકરની મુલાકાતને સારી શરૂઆત ગણાવી હતી. તેમજ તેમણે 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાહોરની ઓચિંતી મુલાકાતને પણ યાદ કરીને પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘PM મોદીએ મારા માતા સાથે ઘણા સમય સુધી વાતચીત કરી હતી.’ આ દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે ‘બંને દેશોએ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જોવું જોઈએ.’
આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત સાથેના સંબંધોને લઈને પાકિસ્તાનમાં ભારતીય મીડિયાને વાત કરતા જણાવ્યું હતું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરનો પાકિસ્તાન પ્રવાસ એક શરૂઆત છે. હું આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન તેમનો ઈતિહાસ પાછળ રાખશે અને ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ લાવશે. શાંતિ પ્રક્રિયામાં વિક્ષેપ ન થવો જોઈએ. શરીફે કહ્યું કે, આપણે જ્યાં છોડ્યું, ત્યાંથી શરૂઆત કરવાની જરૂર. 75 વર્ષ વીતી ગયા, આવી રીતે બીજા 75 વર્ષ બગાડો નહીં. છેલ્લા 75 વર્ષ આપણે બરબાદ કર્યા. હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ. શાંતિ પ્રક્રિયા ખોરવાવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. મુંબઈ હુમલા બાદ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વધુ તણાવ આવી ગયો હતો.