દેશનાં ઘણાં રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસબેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસતિ પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, જેમાં આજે સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 5 સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર આવેલાં છે. એ ઉપરાંત વધુ એક સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કઠલાલ ખાતે ખેડામાં બની રહ્યું છે, જેની કેપેસિટી 2500 પોલીસ જવાનોને તાલીમ આપવાની હશે. વર્તમાનમાં જે 11377 પોલીસકર્મચારીઓની ભરતી બહાર પડાઈ છે. તેના ઉમેદવારોને ઉપરના 6 સ્ટેટ લેવલ સેન્ટર ઉપરાંત જિલ્લામાં આવેલી 20 પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેની ક્ષમતા 4 હજારની છે. ઉપરાંત રાજ્યમાં આવેલા 14 SRPF સેન્ટર ખાતે સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવા આવશે, જેની કેપેસિટી 2500ની છે. દિવાળી બાદ આ મુદ્દે ઉચ્ચ લેવલના અધિકારીઓની મિટિંગ મળશે. પોલીસબેડામાં બાકી 14,283 ભરતી સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરાશે. કોર્ટે ટ્રેનિંગ સેન્ટર અંગે સમયાંતરે રિપોર્ટ માગ્યો હતો. ડિસેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાશે.
એક મહિનામાં 525 જગ્યા પ્રમોશનથી ભરતી
ગત સુનાવણીમાં કોર્ટને જણાવાયું હતું કે છેલ્લા એક મહિનામાં 525 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં બેકલોગની તમામ પોલીસ ભરતી પૂર્ણ કરાશે. 5248 પ્રમોશનની ભરતી પૈકી 525 ભરાઈ, 4723 બાકી છે. કોર્ટે PI અને PSIની ભરતી વિશે પૂછ્યું હતું, સાથે જ ઇન્ટેલિજન્સ ઓફિસરની 164 જગ્યા ભરવાની બાકી હોવા અંગે પણ કોર્ટે પૂછ્યું હતું. સરકારી વકીલે જણાવ્યું હતુ કે 31 માર્ચ, 2025 સુધીમાં PI અને PSIની જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે. વર્ષ 2025 અને બીજા વર્ષ 2026નું પોલીસ ભરતીનું કેલેન્ડર કોર્ટ સમક્ષ મુકાયું હતું. કોર્ટને જણાવાયુ હતુ કે ડિપાર્ટમેન્ટ પ્રમોશનલ કમિશન પ્રમોશનની ભરતી કરે છે.






