દિવાળી પહેલા ગુજરાત સરકારે અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી અને મામલતદારો અને ટીડીઓની બઢતી કરવામાં આવી છે. વર્ગ 1ના 79 અને વર્ગ 2 ના 44 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી સાથે બઢતી કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી અને 44 મામલતદારને પ્રમોશન આપી ડેપ્યુટી કલેક્ટર બનાવાયા છે.
અગાઉ રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરાઈ હતી. નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે. 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મળ્યો છે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને બઢતી મળી છે, પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી મળી છે. ઓગસ્ટ મહિનામાં ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ અપાયા હતા. જેમાં એકસાથે 171 વેરા નિરીક્ષકોની તાત્કાલિક બદલીના આદેશો આપવામાં આવ્યા હતા. તે સિવાય ગાંધીનગર નાયબ અને સંયુક્ત વેરા અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી હતી.