વેકેશન પડતાંની સાથે જ સુરત દિવસ અને રાત ખાલી થઈ રહ્યું હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં કતારગામ ખાનગી બસ પાર્કિંગથી લઈને કામરેજ સુધી 15 કિલોમીટરના વિસ્તારમાં લક્ઝરી બસમાં બેસવા માટે 10 કિમી સુધી લોકોનો મેળાવડો થઈ જતો હોય છે. આ 10 કિમીના વિસ્તારમાં સૌથી વધુ બસના થપ્પાઓ પણ લાગી જતા હોય છે.
ખાનગી બસના ભાડા રેગ્યુલર 700 રૂપિયા હોય છે. જો કે, અત્યારે ડબલ થઈ ગયા છે. એસટી બસો પણ વધુ મૂકવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના રહેવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે. આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ સુરતના હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં ઝઝુમતા રત્નકલાકારોને લક્ઝરી બસ સંચાલકો લૂંટી રહ્યાં છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
છેલ્લા ત્રણ દિવસથી લાખો લોકો વેકેશનને લઈને સુરતથી વતન જતા રહ્યા છે. જેને પગલે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે. પાંચ નવેમ્બર સુધી વતન તરફનો ધસારો ટ્રેન, એસટી અને પ્રાઇવેટ બસોમાં જોવા મળે તેવી શક્યતા છે.
કતારગામથી કામરેજ 15 કિમીના રોડ પર 10 કિમીમાં રાત્રે ખાનગી બસમાં વતન જવા માટે મેળાવડાઓ થઈ જાય છે. પહેલો સ્ટોપ રિદ્ધિ સિદ્ધિ ખાતે હોય છે. જ્યાંથી હીરાબાગ, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા ઢાળ, પ્રાણીસંગ્રહાલય, સરથાણા જકાતનાકા, નવજીવન હોટલ, શ્યામધામ પાર્કિંગ, પાસોદરા, લસકાણા સહિતના અલગ અલગ પોઇન્ટ પર ખાનગી બસો ઉભી રહેતી હોય છે. આ તમામ સ્થળો પર મેળાવડો જોવા મળતો હોય છે. આ તમામ સ્ટોપ પર બસો ઊભી રહેતી હોવાથી બસોના થપ્પા લાગી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. આ સાથે ટ્રાફિકને પણ અસર પહોંચે છે.