સુપ્રીમ કોર્ટે કાર લાયસન્સ એટલે કે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકોને 7,500 કિલો સુધીના વજનના વાહનો ચલાવવાની પરવાનગી આપી છે. બુધવારે સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે એવો કોઈ ડેટા નથી જે સાબિત કરે કે LMV ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો માટે જવાબદાર છે.ચુકાદો આપતી વખતે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે કહ્યું કે, આ મુદ્દો એલએમવી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરોની આજીવિકા સાથે સંબંધિત છે. કોર્ટે કેન્દ્રને કાયદામાં સુધારાની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવા પણ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વીમા કંપનીઓ માટે ફટકો માનવામાં આવી રહ્યો છે. જો અમુક ચોક્કસ વજનના પરિવહન વાહનો અકસ્માતમાં સામેલ હોય અને ડ્રાઇવરોને નિયમો અનુસાર ચલાવવા માટે અધિકૃત ન હોય તો વીમા કંપનીઓ દાવાને નકારી કાઢતી હતી. 18 જુલાઈ, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આ કાયદાકીય સવાલ સાથે સંબંધિત 76 અરજીઓની સુનાવણી શરૂ કરી. મુખ્ય અરજી બજાજ એલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વતી દાખલ કરવામાં આવી હતી.