ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયોફ્યુલ પર ચાલતી 12 કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે 1200 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે જ્યાં આ કાર રેલીનું સમાપન થશે.
અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે તે અંગેની જાણકારી આપવાનો છે. આમ, આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંત સિંહ રાજપૂત, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી ભીખૂસિંહ પરમાર તેમજ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.