અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડથી વધુના હવાલાકાંડના દુબઈ કનેક્શનમાં એસઓજીએ વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આંગડિયા પેઢી મારફતે મંગાવી આપતો હતો. ખાસ આંગડિયા પેઢીની જવાબદારી આરોપી ઓમ પંડ્યા ને આપવામાં આવી હતી.
આ કોભાંડમાં SOGએ મકબૂલ અને તેના પુત્ર સહિત 3ને પકડી પાડી 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. હવાલા, ઓનલાઇન સાયબર ફ્રોડ, ચાઇનીઝ ગેમ અને કિકેટના સટ્ટા સહિતની બેનંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગડિયામાં મોકલી તેને USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલાતી હતી. શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે. આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી.
અત્યાર સુધીમાં ઓમ પંડ્યાએ 5 કરોડ રૂપિયાથી પણ વધુ આંગડિયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રૂપિયા કોને ટ્રાન્સફર કર્યા છે અને કઈ રીતે નેક્સેસ ચાલતું હતું તે અંગે આરોપી ઓમ પંડ્યાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 21 નવેમ્બર સુધી ઓમ પંડ્યાના રિમાન્ડ મેળવ્યા છે.