કેન્યા સરકારે દેશના મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને આપવાની પ્રક્રિયાને રદ્દ કરી દીધી છે. એટલે કે કેન્યામાં અદાણીનો પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવ્યો છે, અને આ નિર્ણયની જાહેરાત ખુદ કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ સંસદમાં કરી છે. મુખ્ય નૈરોબી એરપોર્ટના વિસ્તરણ માટેના પ્રસ્તાવિત ડીલ હેઠળ, અદાણી જૂથ જોમો-કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બીજો રનવે બનાવવાનું હતું અને પેસેન્જર ટર્મિનલને અપગ્રેડ કરવામાં આવનાર હતું.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રાષ્ટ્રને સંબોધિત કરતા અદાણી ગ્રુપ સાથેના તમામ પ્રસ્તાવિત કરારો રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ હતા. કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે 700 મિલિયન ડોલરનો પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશન સોદો રદ્દ કર્યો છે. આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અંગે હતી. વધુમાં, અદાણી ગ્રૂપ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણ માટે 1.8 બિલિયન ડોલરની દરખાસ્ત પણ રદ્દ કરવામાં આવી છે.
કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેમની સરકારે ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના બે મોટા પ્રસ્તાવિત કરારો રદ્દ કર્યા છે. અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાંચ લેવાના આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રૂટોએ જણાવ્યું હતું કે તેમણે કેન્યાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને સોંપવાની પ્રક્રિયાને રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે.