અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેના પર અબજો ડોલરની લાંચનો અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે તેઓ અદાણી ગ્રૂપના ચેરમેન અને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાગેલા આરોપોથી વાકેફ છે. મીડિયા બ્રીફિંગમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે પત્રકારોને જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અદાણી સામેના આરોપોથી વાકેફ છે.
તેમણે કહ્યું કે, અમે આ આરોપોથી વાકેફ છીએ અને હું તમને ચોક્કસ માહિતી માટે SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) અને DOJ (જસ્ટિસ વિભાગ) પાસે જવા માટે જણાવીશ. ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત ગણાવતા જીન-પિયરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર આધારિત છે. અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાને અન્ય મુદ્દાઓની જેમ નેવિગેટ કરીશું. જેમ આપણે અન્ય મુદ્દાઓનું કરીએ છીએ.
અમેરિકન રિપોર્ટ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરીએ છીએ પરંતુ એવું થશે નહીં કારણ કે મોદી તેમને બચાવી રહ્યા છે. ભાજપે રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પરના હુમલાની ટીકા કરતા કહ્યું કે, અમેરિકી અદાલતોમાં જે ચાર રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં તે સમયે ભાજપની સરકારો નહોતી. ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, “કાયદો પોતાનો માર્ગ અપનાવશે.”