ઈઝરાયલ અને લેબેનનના હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામના અહેવાલો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. રવિવારે હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 થી વધુ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. 7 ઓક્ટોબર, 2023 પછી 13 મહિનામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. પહેલીવાર હિઝબુલ્લાહએ ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ઈઝરાયલના ગુપ્તચર ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા.
ઇઝરાયલ સરકારે રવિવારે હિઝબુલ્લાહના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને નુકસાન વિશે માહિતી આપી નથી.
ઇઝરાયલ પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ તેલ અવીવના પૂર્વી ભાગ પેતાહ ટિકવામાં થયા હતા. આમાં ઘણા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. હિઝબુલ્લાહએ કહ્યું કે તેણે તેલ અવીવ અને નજીકના બે સૈન્ય મથકો પર મિસાઇલો છોડી હતી. હિઝબુલ્લાહનો આ હુમલો લેબનનની રાજધાની બેરૂતમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ઈઝરાયલ હુમલાનો જવાબ છે. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ અફીફ સહિત 63થી વધુ લોકો માર્યા ગયા છે. શનિવારે બેરૂતમાં ઇઝરાયલી હુમલામાં 29 લેબનીઝ માર્યા ગયા હતા અને 65 થી વધુ ઘાયલ થયા હતા.
હિઝબુલ્લાહનો હુમલો એટલો ગંભીર હતો કે દક્ષિણ લેબનનના અલ-બાયદા વિસ્તારમાં એક વ્યૂહાત્મક ટેકરી પરથી ઇઝરાયલી ટેન્ક અને સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. હિઝબુલ્લાહે અનેક એન્ટી ટેન્ક મિસાઈલોથી પણ હુમલો કર્યો હતો.
હિઝબુલ્લાહે હાઈફા શહેર નજીક ઈઝરાયલના સૈન્ય મથકને પણ નિશાન બનાવ્યું હતું. હિઝબુલ્લાહે કહ્યું કે તેણે હાઇફાની ઉત્તરે આવેલા જ્વાલુન મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ બેઝને પણ મિસાઇલો વડે હુમલો કર્યો. હિઝબુલ્લાહએ દાવો કર્યો છે કે તેણે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને દક્ષિણ ઇઝરાયલમાં અશદોદ નેવલ બેઝ પર હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી પણ આપી છે.