અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલા નકલી IAS અધિકારીના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવમાં લેનાર અને છેતરપિંડી કરનાર મેહુલ શાહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મેહુલ શાહ આ પ્રકારના વીડિયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા મેહુલ શાહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એરપોર્ટની બહાર નીકળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો તેની આસપાસ ચાલી રહ્યા છે. તો એક વ્યકિત તેના પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે. બહાર આવ્યા બાદ તેની આસપાસ સફારીમાં ત્રણ ગાર્ડ હતા. આ ઉપરાંત સાદા કપડામાં અન્ય ત્રણથી ચાર લોકો હતા જે આરોપીનું ફૂલ નાખીને એરપોર્ટમાંથી બહાર આવતા સ્વાગત કરતા હતા.આરોપી લોકોને કહેતો હતો કે તેનું રેવન્યુ વિભાગમાં પ્રમોશન આવ્યું હોવાથી તેનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયોના અંતમાં સરકારી અધિકારીની જેમ જ ગાડીમાં બેસીને આરોપી જઈ રહ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે. આરોપીએ પોતે IAS અધિકારી હોવાની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા હતા. આરોપી સરકારી અધિકારીઓને ભાજપના તથા સંઘના મોટા નેતાઓ સાથે સંપર્ક ધરાવતો હોવાનું કહીને રોફ જમાવતો હતો.આરોપી લોકોને પ્રભાવિત કરવા માટે વીડિયો પણ બતાવતો હતો. મોરબીમાં રહેતા ઠગે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ બાબતેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ કરાઇ હતી. મેહુલ શાહ 2 મહિના સુધી અસારવાની વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. લાલ બત્તીની ગાડીમાં સ્કૂલમાં આવીને સ્કૂલ ખરીદવાનો દાવો કરીને વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસના અને સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. સ્કૂલને CBSE સ્કૂલ બનાવવા પણ દાવો કર્યો હતો.
35 કરોડમાં સ્કૂલ ખરીદવાની સંચાલકને ઓફર આપી
ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ઠગ મેહુલ શાહે IAS અધિકારીની ઓળખ આપી હતી તથા કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તથા સાયન્ટિસ્ટ હોવાની ઓળખ આપી હતી. મેહુલ શાહે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીને પણ પોતાની વાતોમાં મોહી લીધા હતા. પોતે કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટ હોવાનું કહીને તેમની સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ શહેરની બે સ્કૂલો કરોડો રૂપિયામાં ખરીદવાનો પણ દાવો કર્યો હતો. અસારવા વિસ્તારમાં આવેલી વિશ્વવિદ્યાલય સ્કૂલ જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે 35 કરોડમાં ખરીદવાની સ્કૂલના સંચાલકને ઓફર આપી હતી. આ ઓફર આપીને થોડો સમય સ્કૂલનું સંચાલન કરશે તેવું કહીને તે નિયમિત રીતે વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો.