ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારી કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ એ છે કે, PMJAY યોજનામાંથી કોઈપણ ઓપરેશન કે સારવાર માટે અગાઉથી એપ્રૂવલ લેવી પડતી હોય છે અને તેમાં સમય લાગતો હોય છે, પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ઓપરેશન માટે સરકાર પાસે જે પણ એપ્રૂવલ (પ્રિ ઓથ) માગે તેને ચપટી વગાડતાં જ મંજૂરી મળી જતી હતી. ખ્યાતિ હોસ્પિટલ સરકાર પાસેથી મંજૂરી મેળવતી હતી. 2021માં ખ્યાતિ હોસ્પિટલના PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ થયા બાદ નવેમ્બર 2024 સુધી કઈ તારીખે સારવાર કરી અને એ સારવાર માટે સરકાર સમક્ષ કેટલી રકમ ક્લેઈમ તરીકે મૂકી છે તેની વિગતો સામે આવી છે.
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યો ત્યાં સુધીમાં) કુલ 4947 ઓપરેશન કર્યા છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રૂપિયાની રકમ માટેના ક્લેઈમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ ક્લેઈમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂપિયા મળી ચૂક્યા છે, તે જાણી શકાયું નથી. પણ ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધારેની રકમના ક્લેઈમ 43 મહિનામાં જ કરી નાખ્યા હતા.