વલસાડ જિલ્લાના પારડીનાના મોતીવાળા રેલવેફાટક પાસે 14 નવેમ્બરે બી.કોમ.ની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસાઓ કર્યા હતા. જે જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. રેપનો આ આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો છે. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી. આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે.
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે 2 હજારથી વધુ CCTV ફુટેજ ચેક કરીને શકમંદનું પુછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11માં દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઘટના સમયે પહેરેલા કપડાંથી આરોપીની ઓળખ થઈ હતી.
વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ટેકનીકલ એનાલીસીસ આધારે યુકિત પ્રયુકિતથી તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ મોબાઈલ ફોન તેમજ ચાકુ અને અન્ય સરસામાન, રોકડા રૂપિયા બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ છેલ્લા 25 દિવસમાં પારડી સહિત અલગ અલગ રાજ્યોમાં દુષ્કર્મ અને 5 હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.