મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવશે.
પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)માંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે. અજિત પવાર એનસીપીના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે અને શિંદે શિવસેનાના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ એ મામલે પેચ ફસાયો ત્યારે એવા સમાચાર આવ્યા છે કે મુખ્ય પ્રધાન પદની અકળામણ હવે પૂરી થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે જશે તથા એકનાથ શિંદે રાજીનામુ આપશે. શિંદે આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજીનામુ આપશે અને નવી સરકાર બીજી ડિસેમ્બરના રોજ રચાશે.
શિંદે સેનાના નેતાઓ, કાર્યકરો એમ ઇચ્છતા હતા કે બિહારની જેમ મુખ્ય પ્રધાન પદ શિવસેના પાસે જ રહેવું જોઇએ. જોકે, હવે લગભગ એ નક્કી થઇ ગયું છે કે રાજ્યની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે અને મુખ્ય પ્રધાન પદ તેને જ જશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણય બાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે એકનાથ શિંદે નારાજ છે. એવામાં શિંદે સેનાના નેતાઓ વર્ષા બંગલે એકઠા થવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ પર એકનાથ શિંદેએ ટ્વિટ કરીને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
શિંદેએ જણાવ્યું છે કે, મહાયુતિની ભવ્ય જીત બાદ રાજ્યમાં ફરી એકવાર અમારી સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ તરીકે અમે એક સાથે ચૂંટણી લડ્યા હતા અને આજે પણ અમે એકસાથે જ છીએ. મારા પ્રત્યેના પ્રેમને લીધે કેટલાક લોકોએ દરેકને ભેગા થવા અને મુંબઈ આવવા અપીલ કરી છે. હું તમારા પ્રેમ માટે ઘણો જ આભારી છું, પરંતુ હું તમને અપીલ કરું છું કે આવી રીતે મારા સમર્થનમાં કોઈ સાથે ના આવે. મારી તમને નમ્ર વિનંતી છે કે શિવસેનાના કાર્યકરોએ વર્ષા નિવાસ્થાને કે બીજે કશે પણ ભેગા થવું ના જોઈએ. મહાયુતિ મજબૂત છે અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે મજબૂત રહેશે.