પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ સુધી તેને આ મામલે કોઈ મોટી સફળતા મળી નથી. ત્યારે ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપ્યો, પણ પાકિસ્તાનનો આ દાવ ઉલટો પડી ગયો જયારે તેને પોતાના જ ઘરમાં ઘણી શરમમાં મૂકાવું પડ્યું.
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇસ્લામાબાદમાં તેમની સાથે બેઠક કરી. આ બેઠકમાં જયારે તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લુકાશેન્કોએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોઈ પણ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા નથી. તેમણે કહ્યું, “હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરવા આવ્યો છું.”
બેલારુસના રાષ્ટ્રપતિનો આ જવાબ સાંભળીને શરીફ અસહજ દેખાયા. બેલારુસના રાષ્ટ્રપતિના સ્પષ્ટ વલણે પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો પર સવાલો ઉભા કરી દીધા અને પાકિસ્તાનને વિશ્વની સામે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું. વાસ્તવમાં પાકિસ્તાનની કૂટનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે શાહબાઝ શરીફ પ્રોટોકોલ તોડીને પોતે બેલારુસના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો એ પાકિસ્તાનની રાજનીતિ અને કૂટનીતિનો એક ભાગ બની ગયો છે, પરંતુ લુકાશેન્કોનો જવાબ દર્શાવે છે કે તમામ દેશો આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી શકતા નથી.