ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં જીત મેળવનાર પ્રિયંકા ગાંધી વાડ્રા અને નાંદેડ લોકસભા પેટાચૂંટણી જીતનાર રવિન્દ્ર ચૌહાણ ગૃહમાં સાંસદ પદના શપથ લેશે. બુધવારે સત્રના બીજા દિવસે સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે યુપીના સંભલમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ સંસદની બહાર કહ્યું હતું કે અદાણી પર અમેરિકામાં 2 હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. તેમને જેલમાં ધકેલવા જોઈએ. પણ મોદી સરકાર તેમને બચાવી રહી છે. કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત બાદ, કોંગ્રેસ પાસે ફરી એકવાર લોકસભામાં 99 સાંસદો છે. વાયનાડ બેઠક રાહુલ ગાંધીએ ખાલી કરી હતી, જ્યારે નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદ બસંતરાવ ચૌહાણના નિધનને કારણે ખાલી પડી હતી. હાલમાં જ પેટાચૂંટણી યોજાઈ છે અને બંને બેઠકો કોંગ્રેસની પાસે પાછી આવી છે. આ પહેલીવાર બનશે જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદના સભ્ય હશે. રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભાના સાંસદ છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી છે. જ્યારે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું- અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી હતી. વૈષ્ણવે કહ્યું- જે દેશોમાંથી આવી સામગ્રી આવે છે તે દેશોની સંસ્કૃતિ આપણા કરતા તદ્દન અલગ છે. સંસદીય સ્થાયી સમિતિએ આ વિષય પર ધ્યાન આપવાની અને અભદ્ર સામગ્રીને રોકવા માટે કાયદો કડક બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના જમાનામાં એડિટોરિયલ ચેકિંગ ખતમ થઈ ગયું છે. અગાઉ પ્રેસમાંથી જે પણ છાપવામાં આવતું હતું તે સાચું છે કે ખોટું તે તપાસવામાં આવતું હતું અને પછી તેને મીડિયા સમક્ષ લાવવામાં આવતું હતું.