ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વેને બાબતે ગત રવિવારે થયેલી હિંસા બાદ વાતાવરણ હજુ પણ તંગદીલીભર્યું છે. આજે શુક્રવારની નમાજ થશે જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાસ તૈયારીઓ કરી છે. તણાવ વચ્ચે પોલીસ પ્રશાસને લોકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસે દરેક ખૂણે- ખૂણે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. બીજી તરફ, જામા મસ્જિદના સર્વેના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
સંભલની જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, અરજીમાં સર્વેને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે. દલીલ કરવામાં આવી છે કે ઐતિહાસિક ધર્મસ્થાનો પર આવા સર્વે સાંપ્રદાયિક તણાવમાં વધારો કરી શકે છે અને દેશના બિનસાંપ્રદાયિક માળખાને નુકશાન પહોંચાડી શકે છે.