ગોધરામાં લેબર કોર્ટના જજને લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં લાંચ આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા. તેઓના કેસની મુદતની આગામી તારીખ 12/12/2024ના રોજ સુનાવણી હતી.
તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડ(કોર્ટ)માં જ લેબર અદાલતના જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. જજ દ્વારા તે કવર નહીં સ્વીકારી, કવરને કોર્ટમાં ચાલુ બોર્ડમાં જ ખોલવાનું કહેવામાં આવ્યું હતું. જે દરમિયાન બંધ કવરમાંથી રૂ.35,000 નીકળ્યા હતા.
કોર્ટ દ્વારા આ મામલે ગોધરા ACBને જાણ કરવામાં આવે તેમ કહેતાં લેબર કોર્ટ દ્વારા ગોધરા ACBને લેખિત ફરિયાદ કરી હતી. ગોધરા ACB કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ, મજૂર અદાલત, ગોધરા)ને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માગ કરવામાં આવશે.