સુરતના એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની વિદાયના સંકેત આપતા કહ્યું હતું કે, મેં બે વાર રજૂઆત કરી છે કે, કોઈને જવાબદારી સોંપવી જોઈએ. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે. લોકો આંકલન લગાવવા લાગ્યા છે કે થોડા જ દિવસોમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બદલાશે અને નવા પ્રમુખની વરણી થશે. જો કે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી થતા હજી પણ એકાદ મહિનો નીકળી જાય તેવી પૂરી શક્યતા છે. જાન્યુઆરીમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે. બીજી તરફ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા નેતાઓ માટે પણ ભાજપ સંગઠનમાં પણ મોટું સ્થાન મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સમયમાં સંગઠનમાં આવનારા ધરખમ ફેરફાર બાદ મોટાભાગના યુવા ચહેરા જોવા મળે તો પણ નવાઈ નહિ.
27 નવેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અનેક એવી વાતો સામે આવી કે જેણે ફરી એક વખત પક્ષના કાર્યકરોને અંદરોઅંદર ચર્ચા કરતા કરી દીધા હતા.
ભાજપમાં લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણને આધારે સંગઠનની રચના થાય છે. સૌ પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવે છે જેમાં પ્રાથમિક સદસ્યોમાં મિસ કોલ કરી અને ફોર્મ ભર્યા બાદ ઓટીપી આવે છે. ઓટીપી ઓથોરાઈઝેશન છે કે એ વ્યક્તિ ભાજપનો સદસ્ય બને છે. બાદમાં 50 કે 100 પ્રાથમિક સભ્ય ભેગાં થાય તો એક સક્રિય સભ્ય બને છે. એક સક્રિય સભ્ય બન્યા બાદ ભાજપની જે આંતરિક જવાબદારી છે એમાં ભાગ લઈ શકે છે. આવા સક્રિય સભ્ય બન્યા બાદ નીચેના સ્તરથી માળખું શરૂ થાય છે અને એ લોકતાંત્રિક પદ્ધતિથી થાય છે. આ પદ્ધતિમાં બુથ સ્તરે 11 લોકોની કમિટી બને જેમાં બુથ નો પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા પ્રમુખ, ઓબીસી સેલ, એસટી સેલ, માઈનોરિટી સેલ વગેરે ની રચના સંખ્યાના આધારે થાય છે. આ ઉપરાંત મહિલા પ્રમુખ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બનાવે છે. આખીયે આ કમિટીમાં 3 મહિલા હોવી ફરજિયાત છે. આવી જ કમિટી શક્તિ કેન્દ્રમાં હોય છે, એવી જ કમિટી મંડળ સ્તરે એટલે કે વોર્ડ, ભાજપના ગુજરાતમાં 500 મંડળ છે, આ મંડળ તાલુકા મુજબ હોય છે. મંડળ એટલે કે શહેરમાં વોર્ડ કહેવાય છે. એ પછી મંડળ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની બોડી જિલ્લા પ્રમુખ માટે પ્રક્રિયા હાથ ધરે છે.