ગુજરાતની 50 ફેમિલી કોર્ટમાં હાલ 50 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. છેલ્લા એક વર્ષમાં ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કેસમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતની ફેમિલી કોર્ટમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી 44037 કેસ નોંધાયા છે.આમ, આ સ્થિતિએ પ્રત્યેક દિવસે નવા 160 કેસ નોંધાયા છે. જેની સરખામણીએ 2023માં 27194 કેસ નોંધાયા હતા. આ પૈકી 2023માં 30084,2024માં 30659 કેસનો નિકાલ થયો હતો. આ મુજબ ગુજરાતની ફેમિલી કોર્ટમાં રોજના 112 કેસનો નિકાલ થાય છે. આ ઉપરાંત 50128 કેસ હાલમાં પેન્ડિંગ છે. આ સ્થિતિએ પ્રત્યેક ફેમિલી કોર્ટ 1000થી વધુ પેન્ડિંગ કેસનું ભારણ ધરાવે છે.
આ વર્ષે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે, પંજાબ 55547 સાથે બીજા, કેરળ 45628 સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્થાને છે. અન્ય મોટા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં 30236, મધ્ય પ્રદેશમાં 32874, રાજસ્થાનમાં 34174 કેસ નોંધાઇ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3.98 લાખ, કેરળમાં 1.09 લાખ, પંજાબમાં 77604 જેટલા પેન્ડિંગ કેસ છે. સમગ્ર દેશની 848 ફેમિલી કોર્ટમાં 6.43 લાખ કેસ નોંધાયા છે. 12.42 લાખ પેન્ડિંગ છે જ્યારે 6.85 લાખ કેસનો નિકાલ થયેલો છે.
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે. દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બન્નેમાંથી જાણે કોઇ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરૂષની પ્રાથમિકતા બદલાઇ છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. નાની-નાની વાતોમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10 હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.