બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દૂર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા. હવે હિન્દુઓના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને બાંગ્લાદેશમાં સ્થિત ISKCON સાથે જોડાયેલા 17 બેંક ખાતાને ફ્રીઝ કરી દીધા હતા. બાંગ્લાદેશની હાઇકોર્ટે ISKCON પર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવ્યા બાદ સરકાર દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું છે. જેનો હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે એક મહિના માટે ISKCON સાથે જોડાયેલા 17 જેટલા બેંક ખાતાને ફ્રીઝ કરવાનો વિવિધ બેંકોને આદેશ આપ્યો હતો. આ યુનિટ બાંગ્લાદેશની મુખ્ય બેંક સાથે જોડાયેલુ છે. ખાતા ફ્રીઝ કરવા ઉપરાંત તેમાં જે પણ નાણાકીય લેવડદેવડ થઇ હોય તેની સંપૂર્ણ માહિતી ત્રણ દિવસમાં સોંપવા બેંકોને આદેશ આપ્યો હતો. 30 ઓક્ટોબરના રોજ ISKCONના સભ્ય રહી ચુકેલા ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 સામે સેડિશનનો કેસ દાખલ કરાયો હતો જે બાદ દાસની ધરપકડ કરાઇ હતી. આ કાર્યવાહીનો ISKCON દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ટિકા કરી હતી અને બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુઓની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા કહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઢાકામાં સ્થિત ભારતીય હાઇ કમિશન હિન્દુઓ સહિતના લઘુમતિઓ પર અત્યાચારોની સ્થિતિને જોઇ રહ્યું છે, ભારતે અવાર નવાર બાંગ્લાદેશ સરકારને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા કહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોલકાતામાં એક તરફ મુસ્લિમોએ વકફ બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે બીજી તરફ હિન્દુઓએ બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો.