સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. શુક્રવારે ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. તબીબો દ્વારા હાલ ત્રણેય બાળકો દુર્ગા કુમારી, મહંતો (12 વર્ષ), અમિતા મહંતો (14 વર્ષ), અનિતા કુમારી મહંતો ( 8 વર્ષ)ના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું. ત્યારબાદ ત્રણેયની તબિયત લથડી હતી. જેથી આ ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીણના કારણે થયા છે, તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.
પરિવારજનોના કહેવા પ્રમાણે, ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી પાંચ જેટલી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રીના પાંચ જેટલી બાળકી તાપણું કરી રહી હતી. તાપણું કરી રહેલી ત્રણ બાળકીઓને ઉલ્ટી થવા લાગી હતી. ઉલ્ટી થયા બાદ બાળકીઓ બેભાન થઇ ગઇ હતી. જેથી ત્રણેય બાળકીઓને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીઓના ખાનગી હોસ્પિટલમાં અને એક બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.