જે ખેડૂતોની પાસે રહેલી આખરી જમીન પણ બિનખેતી થઇ ગઇ હોય તેઓને ફરી એકવાર ખેડૂત બનાવ માટેની તક ગુજરાત સરકારે આપી છે. મુખ્યમંત્રીએ નિર્ણય જાહેર કરતાં જણાવ્યું કે, પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી આખરી સર્વે નંબર ધરાવતી જમીન બિનખેતી થઇ ગઇ હોય તે વ્યક્તિ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા એક વર્ષના ગાળામાં અરજી કરવા સક્ષમ બનશે. આ પ્રમાણપત્ર મળ્યા બાદ બે વર્ષના સમયમાં તેઓ ખેતીલાયક જમીન ખરીદી શકશે.
અગાઉ આવા ખેડૂતો જમીનવિહોણા થાય ત્યારે ફરી પ્રમાણપત્ર મેળવવાની કોઇ જોગવાઇ ન હોવાથી ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં તેઓ ફરીથી ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. આ ઉપરાંત સરકારી પ્રકલ્પોમાં સંપાદિત થયેલી જમીનોના માલિકો ગમે તેટલાં સમય પહેલા બિનખેડૂત થયા હોય તો તેઓ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરશે.
26 ડિસેમ્બર, 2008ના ઠરાવ અનુસારની વર્તમાન જોગવાઇ મુજબ સંપાદનમાં ગયેલી જમીનની તારીખથી એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવ્યા બાદ ત્રણ વર્ષમાં ખેતીની જમીન ખરીદવાની રહે છે. જો કે સરકારે પોતાના આ નવા નિર્ણયમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની સ્થાપનાની તારીખથી લઇને હવે પછી ગમે ત્યારે સંપાદન થયેલી જમીનના તત્કાલીન ધારકો ખેડૂત પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે અને ખેતીલાયક જમીન ખરીદી શકશે.
ખેડૂત મટી ગયા હોય તેવા ઘણાં અરજદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્નની રજૂઆત કરી હતી. તે પછી તેમણે મહેસૂલ વિભાગ પાસે આવાં મુદ્દા અને તેની વ્યાપકતા અંગેનો ખ્યાલ મેળવી આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણયથી ઘણાં ખેડૂતોને ફાયદો મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
સરકારના ઠરાવ મુજબ ઉપરના બન્ને કિસ્સામાં અરજી મળ્યા પછી સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરશે. આ માટે કલેક્ટરોએ પણ સમીક્ષા કર્યા બાદ બને તેટલો ઝડપી નિર્ણય લઇ પ્રમાણપત્ર આપવાના નિર્દેશ અપાયાં છે. બિનખેતીને કારણે જમીનવિહોણા થયેલી વ્યક્તિઓને ખેડૂત પ્રમાણ પત્ર મેળવવા સરકારે શરત મૂકી છે. આ શરત મુજબ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી એટલે કે 29 નવેમ્બર, 2024થી એક વર્ષ પહેલાના સમયગાળામાં પ્રભાવિત થયેલા ખેડૂતો જ આ માટે અરજી કરવાપાત્ર ઠરશે. એટલે કે એવાં ખેડૂતો જેમની જમીન 30 નવેમ્બર, 2023 કે તે પછી બિનખેતી થઇ ગઇ હોય અને ખેતીની તમામ જમીન ગુમાવી હોય તેઓ જ આ નિર્ણયનો લાભ લઇ શકશે.