વર્ષ 2025ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થશે. આ 45-દિવસીય કાર્યક્રમની તૈયારીઓને માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગમ અને તેની આસપાસના વિસ્તારોને સત્તાવાર રીતે ‘મહાકુંભ મેળા જિલ્લા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં હવે 75ને બદલે 76 જિલ્લા હશે, મહાકુંભ મેળાના વિસ્તારને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે રવિવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં નવા જિલ્લાની સરહદોની વિગતો આપવામાં આવી હતી, જેમાં સંગમ, ચાર આસપાસના તાલુકાઓ અને 67 નિયુક્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ (સુધારા) અધિનિયમ, 2016 ની કલમ 12 હેઠળ નવો જિલ્લો જાહેર કર્યો છે. આ કયદો તંત્રને એડીશનલ જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવાની અને તેમને નવા જિલ્લાની અંદરના તમામ કેસોનું સંચાલન કરવાની સત્તા પણ આપે છે.